
ઢાઢર નદીમાં ડૂબેલાં બંને બાળકનો હજુ સુધી પત્તો નહીં:ફાયરબ્રિગેડ- SDRF ટીમની 15 કિમીના પટમાં બોટ-દૂરબીનથી શોધખોળ, મગરના મોઢામાં એક બાળક દેખાયું
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામ ખાતે બાઈક સ્લીપ ખાઇ ગયા બાદ ઢાઢર નદીમાં ડૂબી ગયેલા બાળકોને ચોથા દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નથી. વડોદરા અને કરજણ ફાયરબ્રિગેડ અને SDRFની ટીમોએ ઢાઢર નદીના 15 કિમીના પટમાં બોટની મદદથી શોધખોળ કરી હતી. આ દરમિયાન મગરના મોઢામાં બાળક દેખાયું હતું, જેને પગલે બાળકોનાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયાં છે.
કોઝવે પરથી પસાર થતા સમયે પાણીના પ્રવાહમાં બાઇક સ્લિપ થઈ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામમાં રહેતા વૈશાલીબેન પઢીયાર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અલવા ગામમાં તેમના પિયરમાં બંને બાળકો સાથે નવરાત્રિ કરવા ગયા હતા. નવરાત્રિ પૂરી થયા પછી 5 ઓક્ટોબરે પતિ હિતેશભાઈ પત્ની અને બંને બાળકોને લેવા માટે અલવા ગામમાં ગયા હતા. પરિવારને લઇને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, એ સમયે કોટના ગામ પાસે આવેલા ઢાઢર નદી પરના કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતા. હિતેશભાઈએ પાણીમાંથી બાઇક પસાર કરી હતી. કોઝવેમાં બાઈક અડધે પહોંચી હતી, ત્યારે પાણીના પ્રવાહ વચ્ચે બાઇક સ્લિપ થઇ ગઇ હતી.
પતિ-પત્ની અને બંને બાળકો પાણીમાં ડૂબવા લાગ્યાં બાઈક સ્લીપ ખાઈ જતા હિતેશભાઈ, તેમના પત્ની વૈશાલી, દોઢ વર્ષનો પુત્ર દેવાંશ અને 5 વર્ષનો પુત્ર સોહમ બાઇક પરથી નીચે પડી ગયા હતા અને પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યાં હતાં. મોટા દીકરા સોહમને હિતેશભાઈએ પકડી રાખ્યો હતો. પાણીનો પ્રવાહ તેજ હોવાથી હિતેશભાઈ દીકરા સાથે 100થી 150 ફૂટ જેટલા દૂર સુધી તણાયા હતા. ત્યારબાદ તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને બેભાન થવા લાગ્યા હતા, જેથી દીકરા સોહમનો હાથ છૂટી ગયો હતો. તેઓએ દીકરાનો હાથ 5 મિનિટ સુધી પકડી રાખ્યો હતો. હિતેશ ભાઈ ડૂબવા લાગતાં તેઓએ બચાવો-બચાવોની બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી ત્યાં હાજર તેમના 2 ભાઈઓ નદીમાં કૂદી પડ્યા હતા અને હિતેશભાઈ અને તેમના પત્નીને બહાર કાઢ્યાં હતા, પરંતુ બંને બાળકો નદીમાં ડૂબી ગયા હતા.
નદીમાં મગર હોવાથી રાત્રિના રેસ્ક્યૂ-ઓપરેશન અટકાવ્યું સ્થાનિક લોકોએ રાત્રે નાવડીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ નદીમાં મગર હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં ખૂબ જ મુશ્કેલી આવી હતી. જેથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડ્યું હતું. બીજા દિવસે સવારે SDRF અને ફાયરબ્રિગેડની ટીમો ઘટના સાથે પહોંચી ગઈ હતી અને સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ સાંજ સુધી બાળકનું કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે ચોથા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. પણ બંને બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી
ઢાઢર નદીમાં મગરના મોઢામાં બાળકનો મૃતદેહ દેખાયો SDRF, વડોદરા ફાયર બ્રિગેડ અને કરજણ ફાયર બ્રિગેડની ટીમો રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાયેલી છે. અત્યાર સુધીમાં કોટના કોઝવેથી આમોદ સુધી ઢાઢર નદીના 15 કિમી સુધીના વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે, પરંતુ બંને બાળકો હજુ સુધી મળ્યા નથી. આ આ દરમિયાન આજે ઢાઢર નદીમાં મગરના મોઢામાં બાળકનો મૃતદેહ દેખાયો હતો.
પરિવારજનોને બાળકોના મૃતદેહ મળશે કે નહીં એની ચિંતા 5 વર્ષના બાળકે સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો અને મગરના મોઢામાં પણ સફેદ કલરની વસ્તુ જોવા મળી હતી, સાથે જ બાળકના પગ જોવા મળ્યા હતા. જેથી બાળકોને મગર ખેંચી ગયા હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા છે અને બાળકોના મૃતદેહ મળશે કે નહીં, તેની ચિંતા સતાવી રહી છે.
કોટનાથી આમોદ સુધી ઢાઢર નદીમાં રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું વડોદરાના વાસણા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે ચોથા દિવસે અમે બંને બાળકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે બંને બાળકોનો પત્તો હજુ સુધી લાગ્યો નથી. કોટનાથી આમોદ સુધી ઢાઢર નદીમાં રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. નદીમાં મગરો હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં પણ મુશ્કેલી આવી રહી છે. દૂરબીનની મદદથી પણ બાળકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.




