
ગુજરાત માટે 24 કલાક ભારે; ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ….
આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે. હવામાન વિભાગે 22મી સપ્ટેમ્બરે પહેલા નોરતાના દિવસે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2025નું ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.
નવરાત્રિના પ્રથમ નોરતે વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ, ગરબા આયોજકો ચિંતિત રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત સહિત છુટાછવાયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હતી. આ આગાહી સાચી ઠરી હોય તેમ નવરાત્રિના પ્રથમ નોરતે જ વલસાડ શહેરમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નવરાત્રિના આયોજકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું.
અણધાર્યા વરસાદને કારણે ગરબાનું આયોજન કરનારાઓમાં નિરાશા વ્યાપી છે. શેરી ગરબા અને સોસાયટીના આયોજકોથી માંડીને મોટા કોમર્શિયલ ગરબાના આયોજકો પણ પરેશાન જોવા મળ્યા. વરસાદને લીધે ગરબાની તૈયારીઓ પર અસર થવાની શક્યતા ઊભી થઈ હતી. જોકે, કોમર્શિયલ આયોજકોએ જરૂરી સાવચેતીનાં પગલાં લીધાં છે, છતાં વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ ન પાડે તેવી પ્રાર્થનાઓ સાથે તેઓ ચિંતિત છે. આ વરસાદે ગરબાના રંગીન માહોલને શરૂઆતથી જ થોડો નિસ્તેજ કરી દીધો છે.
ગઈકાલે સુરતમાં વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર સતત પાંચમા દિવસે પણ પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગોઠણ સુધીના પાણીમાં વાહનો બંધ પડતા લોકોને ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી છે. જાહેર રસ્તાઓ જાણે તળાવ બન્યા હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં. (21 સપ્ટેમ્બરના વરસાદની અપડેટ)





